રાજકોટના ઠક્કરબાપા હરિજનવાસ શેરી નંબર-6માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મયુર ઉર્ફે ખોડો હમીર શિંગાળાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પોતાના ઘર પાસે હતા ત્યારે ઠક્કરબાપા હરિજનવાસમાં જ રહેતા બાલા ભીમજી પરમાર, વિકાસ હરેશ પરમાર અને સાગર હરેશ પરમારે હુમલો કર્યો હતો. જેમાં યુવાને જણાવ્યું હતું કે, બાલા પરમાર રૂપિયા માંગતો હોવાથી બોલાચાલી થઈ હતી. જેઓ ફરિયાદીને ઢિક્કાપાટુનો માર મારતા હતા. તે દરમિયાન વિકાસે તલવાર કપાળમાં મારી દીધી હતી અને બાદમાં સાગરે માથાના ભાગે છરી મારી દીધી હતી. જેથી પ્રદ્યુમનનગર પોલિસે કલમ 323, 324 અને 504 હેઠળ ફરિયાદ નોંધે તપાસ હાથ ધરી છે.
રાજકોટનાં નાનામવા રોડ ઉપર મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનુ સામે આવ્યુ છે. રાજકોટના નાનામવા રોડ ઉપર નહેરુનગર મેઇન રોડ ઉપર માલધારી ચોક પાસે રહેતા 66 વર્ષીય કુંવરબેન પ્રભાતસિંહ મોરી આજે સવારે 10: 55 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ 108ને કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સ સાથે સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ બાબતે માલવિયા નગર પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર નાળોદાનગર શેરી નંબર-6માં રહેતા અને મજૂરીકામ કરતા બાબુભાઈ ધરમશીભાઈ ગોહેલે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે દેવપરા રોડ ઉપર SBI બેન્કના ATM સેન્ટર પર હતા ત્યારે 30થી 35 વર્ષનો અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ ATM કાર્ડ બદલી નાખ્યું હતું અને ફરિયાદીને બીજું ATM કાર્ડ આપી દીધું હતું. બાદમાં ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 35,000 ઉપાડી લઇ છેતરપિંડી આચરી હતી. જેથી, પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.