ભારતીયોની યાત્રા કરવાની આદત સતત બદલાઈ રહી છે. ભારતીય હવે એકલાને બદલે પરિવાર સાથે યાત્રા કરવાનું અને રજાઓ ગાળવાનું પસંદ કરી રહ્યા છે. એક નવો ટ્રેન્ડ એ જોવા મળ્યો છે કે હવે ભારતીય લગ્નોમાં ટ્રાવેલ કૂપન શુકન રૂપે આપી રહ્યા છે. ખરીદેલી તમામ ટ્રાવેલ કૂપનમાંથી અડધી 5,000 અને 10,000 રૂપિયાની છે.
આ જાણકારી મેક માય ટ્રિપના ‘ઇન્ડિયા ટ્રાવેલ ટ્રેન્ડ્સ રિપોર્ટ’માં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, આખા વર્ષમાં ત્રણથી વધુ ટ્રિપ પર જનારાઓની સંખ્યા 2019ની સરખામણીએ 2023માં 25% વધી છે. ભારતીય ટ્રાવેલ પર પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચી રહ્યા છે. ત્યારે, ઇન્દોરની હોટલ સર્ચ 31% વધી છે. રિપોર્ટ એ સંકેત આપે છે કે ભારતીયોની હરવા-ફરવાની પ્રવૃત્તિ વધી છે જેથી પયર્ટન સેક્ટરમાં મહત્ત્વનો ફેરફાર થઈ રહ્યો છે. ફ્લાઇટ બુકિંગમાં 46%નો વધારો થયો છે, જ્યાં લોકોએ એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ફ્લાઇટ બુક કરી છે.
છેલ્લી મિનિટે યાત્રા પ્રવૃત્તિ વધી છે. ઓનલાઇન ટ્રાવેલ કંપનીના રિપોર્ટ અનુસાર, ઊટી અને મુન્નાર જેવી હરિયાળી પ્રાકૃતિક જગ્યાઓ વીકેન્ડમાં ફરવા માટે સૌથી વધુ પસંદગીના સ્થાન બન્યાં છે. જિમ કોર્બેટ જેવાં સ્થળોના સર્ચમાં 131%નો વધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર, દુબઈ, બેંગકોક અને સિંગાપોર ભારતીય યાત્રીઓ માટે ટોચની પસંદગી તરીકે છે, જ્યારે લંડન, ટોરેન્ટો અને ન્યૂયોર્ક સૌથી વધુ સર્ચ કરાયેલા લાંબા અંતરનાં શહેરો તરીકે સામે આવ્યાં છે.