લોકસભાની ચૂંટણી આચારસંહિતાને કારણે ધોરણ-10 અને 12ની પરીક્ષા ગેરરીતિના નિર્ણયનો મામલો અટક્યો છે. આચારસંહિતાને કારણે બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક થતી નથી એક બાજુ વહેલું પરિણામ જાહેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ હોશિયાર નિર્દોષ વિદ્યાર્થીની કારકિર્દીનો સવાલ આચારસંહિતા લાગે કે કેમ? તે સૌથી મોટો પ્રશ્ન છે. બોર્ડની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચમાં 10-12 દિવસથી પડતર છે જેનો સત્વરે નિર્ણયો કરવા બોર્ડ સભ્ય ડૉ.પ્રિયવદન કોરાટ દ્વારા માંગ કરવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન થયેલા પરીક્ષા ચોરીના કેસ તેમજ પાછળથી સીસીટીવી કેમરામાં ધ્યાને આવેલ ગેરરીતિના કેસ અને ઉત્તરવહી મૂલ્યાંકન દરમિયાન ધ્યાને આવેલ સામૂહિક કોપી કેસના નિકાલ માટે શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળે અને રૂબરૂ વિદ્યાર્થીને બોલાવી રૂબરૂ સુનાવણી કરી ગુણદોષ જોઈને વિદ્યાર્થીને સજા કે નિર્દોષના નિર્ણય કરવામાં આવતા હોય છે. આ પરીક્ષા સમિતિ બોલાવી ગુણદોષના આધારે નિર્ણય કરવા માટે ચૂંટણી આચારસંહિતાને કારણે શિક્ષણ બોર્ડે 10/12 દિવસ પહેલાં ચૂંટણી પંચને મંજૂરી માટે દરખાસ્ત કરેલ છે. જેનો કોઈ પ્રત્યુત્તર શિક્ષણ બોર્ડને નહીં મળવાને કારણે પરીક્ષા ગેરરીતિનો મામલો અટક્યો છે.