વિક્રમ સંવત 2080નું શરૂ થયેલ નવું વર્ષ પણ આઇપીઓ માર્કેટ માટે શુકનવંતું સાબીત થશે. આગામી દોઢ માસમાં સરેરાશ 11500 કરોડથી વધુના આઇપીઓ યોજાઇ રહ્યાં છે.
નવેમ્બર મહિનાના છેલ્લા બે અઠવાડીયામાં પ્રાયમરી માર્કેટમાં અનેક કંપનીઓ નાણા એકઠા કરવા પબ્લીકમાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રોકાણકારો ઇક્વિટીના બદલે પ્રાઇમરી માર્કેટમાં ઝંપલાવી રહ્યાં છે. 2023ના વર્ષમાં મેઇન બોર્ડમાં સરેરાશ 46 આઇપીઓ અત્યાર સુધીમાં યોજાયા જેમાંથી 34 આઇપીઓમાં પોઝિટીવ રિટર્ન મળી રહ્યું છે. નવા વર્ષે પણ આઇપીઓ ભરવા માટે નવા ડિમેટ એકાઉન્ટ ખોલવા અંગે પુછપરછ શરૂ થઇ ચૂકી છે. ગ્રે માર્કેટમાં તાતા ટેક્નોલોજીનું રૂ.370 પ્રિમિયમ બોલાઇ રહ્યું છે.
ટાટા ગ્રુપ બે દાયકા બાદ આઇપીઓ લાવી રહી છે જેમાં ટાટા ટેકનોલોજીસના આઇપીઓની સાઈઝ 3042.51 કરોડની છે. શેરની ફેઈસ વેલ્યુ 2 રૂપિયાની છે. જયારે પ્રાઈસ બેન્ડ 475 થી 500 ની છે. ટાટા ગ્રુપની કંપની લાંબા સમય પછી બજારમાં આવી રહી હોય રોકાણકારો આ આઈપીઓ ભરવા ખૂબ જ ઉત્સાહીત છે.
આ ઉપરાંત ઈન્ડીયન રીન્યુએબલ એજન્સી લીમીટેડનો આઈપીઓની ફેઈસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રાઈસ બેન્ડ 30 થી 32 રૂપિયા છે. આ ઉપરાંત ગાંધાર ઓઈલ રીફાયનરી ઈન્ડીયા, ફેડ બેન્ક ફાઇ. સર્વિસ, ફ્લેર રાઇટીંગ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આવી રહ્યો છે. રોકાણકારોને આટલી બધી કંપનીઓ આવી રહી હોય નાણા શેમા રોકવા અને કઈ કંપનીમાં નહી તે પણ એક સવાલ થઈ રહ્યો છે.