માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ જીત બાદ ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં કહ્યું છે કે ભારત 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' (પડોશી દેશોને પ્રાથમિકતા આપવી) અનુસરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતનું વલણ 'નેબર ફર્સ્ટ પોલિસી'થી બદલાઈને 'ઈન્ડિયા ફર્સ્ટ' થઈ ગયું છે.
ભારત જેટલો દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરે છે, તેટલા જ તેના પડોશી દેશો તેનાથી દૂર જઈ રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે ભારત દક્ષિણ એશિયાને બેકયાર્ડ માને છે. તે દક્ષિણ એશિયાના દેશો પર ભારત અને ચીન વચ્ચે પસંદગી કરવા દબાણ કરે છે.
શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર લુ જોંગીએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું કે માલદીવની સંસદીય ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ત્યાંના લોકો હવે ભારતના આદેશોનું પાલન કરવા માંગતા નથી. તેમણે સ્વતંત્ર વિદેશ નીતિ પસંદ કરી છે. તે આર્થિક અને સામાજિક વિકાસને પ્રાથમિકતા આપે છે.