ભારત-Aએ ઇમર્જિંગ એશિયા કપમાં પાકિસ્તાન-Aને 8 વિકેટે હરાવ્યું. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલના ગ્રુપ-બીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના 6 પોઈન્ટ છે, જોકે બંને ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ હરિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમ પ્રથમ દાવમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઈન્ડિયા-એ 210 રન બનાવી લીધા છે. સાઈ સુદર્શન (104*)એ સદી ફટકારી હતી જ્યારે યશ ધુલે અણનમ 21 રન બનાવ્યા હતા.
પહેલા પાવરપ્લેમાં પાકિસ્તાને 2 વિકેટ ગુમાવી દીધી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ચોથી ઓવરમાં જ 9 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. સેમ અયુબ અને ઓમેર બિન યુસુફ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી શાહિબજાદા ફરહાન અને હસીબુલ્લા ખાને 10 ઓવર સુધી અન્ય કોઈ વિકેટ પડવા દીધી ન હતી. પ્રથમ પાવરપ્લે પૂરો થયા બાદ બંનેએ ટીમનો સ્કોર 40 રન સુધી પહોંચાડ્યો હતો.