બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પહોંચેલા પાંચ હજાર ભારતીયો પર લટકતી તલવાર છે. ટૂંક સમયમાં તમામને આફ્રિકન દેશ રવાન્ડા મોકલી દેવાશે. તેમ છતાં આ ભારતીયો ‘ગેરકાયદે પ્રવાસી’ તરીકે લેબલ હોવા છતાં બ્રિટન છોડવા માગતા નથી. કારણ કે અહીં ગેરકાયદેસર વસાહતીઓનું જીવન પણ ખૂબ જ સરળ છે.
ઈંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસણખોરી કરતી વખતે ઝડપાઈ જતાં ભારતીયોને ડિટેન્શન સેન્ટર (અટકાયત કેન્દ્રો)માં રાખવામાં આવે છે. પછી એનજીઓ દરેક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેની ક્ષમતા અનુસાર કામ ફાળવે છે. કેર ગિવર્સ અને નર્સિંગ સહાયક તરીકે કામ કરતા ભારતીય ઇમિગ્રન્ટ્સ દરરોજ સરેરાશ 10 હજાર રૂપિયા કમાય છે. અન્ય નોકરીઓ જેવી કે ગેરેજ, હોટલ-રેસ્ટોરન્ટ અને સેલ્સમેન તરીકે પણ કામ કરીને સરળતાથી દરરોજ 5 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે.
લંડનમાં ગેટવિક એરપોર્ટ નજીક સાત ડિટેન્શન સેન્ટર છે, જ્યારે એસેક્સ, લિન્કનશાયર અને ઈસ્ટ સસેક્સમાં પૂર્વ લશ્કરી થાણાંઓને પણ ડિટેન્શન સેન્ટરમાં રૂપાંતરિત કરાયાં છે. લગભગ પાંચ હજાર ભારતીયો સહિત 30 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અહીં રાખવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં મફત આવાસ અને ભોજનની સુવિધા મળે છે. આ સાથે બ્રિટનની એનએચએસ યોજના હેઠળ મેડિકલ સુવિધા પણ મળે છે. એટલું જ નહીં દરેક ગેરકાયદે પ્રવાસીઓને સરકાર તરફથી દર અઠવાડિયે 6,000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે.