રાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી નીલસિટી ક્લબ નજીક સંજય વાટિકામાં 3.25 લાખ અને અવધપાર્કમાં 10 હજારની ચોરી સહિત 7 ઘરફોડ ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશની કુખ્યાત ભૂતિયા ગેંગના મુખ્ય સુત્રધાર રામસિંગ ઉર્ફે રામુને કટારીયા ચોકડી પાસેથી LCB ઝોન 2 ની ટીમે ઝડપી પાડી તેની પાસેથી રોકડ તેમજ દાગીના મળી 68,700નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભૂતિયા ગેંગના ફરાર 3 આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીના બનાવો બનવા પામતાં ઉચ્ચ અધિકારીઓએ ચોરીના ગુના ડિટેકટ કરવાની આપેલી સૂચના આધારે એલસીબી ઝોન-2 PSI આર.એચ.ઝાલા અને ટીમે આઇ.વે. પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તેમજ અન્ય કેટલાક ખાનગી ફૂટેજ તપાસી હ્યુમન સોર્સીસ મદદથી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નીલસીટી ક્લબ નજીક સંજય વાટીકા સોસાયટીમાંથી એક રહેણાંક મકાનમાં થયેલી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 3.25 લાખની ચોરીનો આરોપી કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક લક્ષ્મીના ઢોરા પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી.