ભાયલી કેનાલ રોડ પરની કિશન ક્લાસિક સોસાયટીમાં રહેતા 47 વર્ષીય આર્યુવેદિક ડોકટર માનસિક તાણમાં રાત્રીના 1 વાગ્યાના સુમારે તબીબે પોતાની જાતે હાથ પર ઈન્જેક્શન મારી અને સર્જીકલ બ્લેડ દ્વારા ડાબા હાથ પર ઉંડા ઘા મારીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે આ વિશે જણાવ્યું હતું કે, તબીબ છેલ્લા કેટલા સમયથી તેઓ તાણમાં રહેતા હતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હશે. પોલીસે આ બબાતે તપાસ હાથ ધરી હતી.
ભાયલી કેનાલ રોડ પર આવેલી કિશન ક્લાસિક સોસાયટીમાં રહેતા અને બી.એ.એમ.એસ થયેલા પ્રશાંત ભાવસાર (ઉ.વ-47) છેલ્લા ઘણા સમયથી તેઓ તાણમાં રહેતા હતા અને મોડી રાત સુધી હોસ્પિટલથી ઘરે આવતા નહોતા. જેના કારણે તેઓનો પરિવાર તેઓને અનેક વાર સમજાવતો હતો કે, તમે ઘરે જલ્દી આવો અને પરિવાર સાથે સમય વીતાવો. જોકે તેઓ એકલા જ રહેવા માંગતા હતા.
મંગળવારે તેઓ પોતાના રૂમમાં એકલા હતા ત્યારે રાત્રીના 1 વાગ્યાના સુમારે તેઓએ જાતે જ પોતાના હાથ પર 2 જેટલા ઈન્જેક્શનો લગાવી દીધા હતા અને સર્જીકલ બ્લેડથી પોતાના ડાબા હાથ પર ઉંડા ઘા પાડી દીધા હતા. સવારે જ્યારે તેઓની પત્ની તેઓને ઉઠાડવા ગઈ ત્યારે ડો. પ્રશાંત લોહીથી તરબોળ પડ્યા હતા.
જેથી તેઓની પત્નીએ તાત્કાલિક તેઓને માંજલપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યા તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રશાંતભાઈની પત્ની પણ તબીબ છે. માનસિક તાણમાં રહેતા હોવાને કારણે તેઓની દવા પણ ચાલતી હતી. આ ઘટનાના પગલે તબીબ કયા કારણસર તણાવમાં રહેતા હતાં તે અંગે પોલીસ પરીવારની પણ પુછપરછ કરી રહી છે.