અફઘાન લોકોમાં પોતાના દેશને છોડવાની તક શોધતાં રહે છે. જોકે, અફવાહ ઉડી કે તુર્કીમાં ભૂકંપ રાહત કાર્ય માટે વોલેન્ટિયર બોલાવવામાં આવી રહ્યા છે. આ જાણકારી મળતાં જ હજારો લોકો દીવાલ કુદીને કાબુલ એરપોર્ટની અંદર જમા થઈ ગયાં. જેમાંથી કોઈપણ વ્યક્તિ પાસે સામાન હતો નહીં. સુરક્ષા કર્મીઓએ લાઉડસ્પીકર્સ ઉપર એલાન કર્યું કે આવી કોઈ યોજના નથી, છતાંય લોકો એકઠાં થઇ ગયાં. તે પછી સુરક્ષા કર્મચારીઓએ હવાઈ ફાયરિંગ કરવું પડ્યું. જેથી લોકોમાં ભાગદોડ વધી અને અનેક લોકો ઘાયલ થયાં.
બુધવારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયો અને તસવીરોમાં સેંકડો લોકો અંધારા અને ઠંડીમાં એરપોર્ટ તરફ ચાલતા જોવા મળ્યા હતાં. આ દૃશ્ય ઓગસ્ટ 2021ની યાદ અપાવે છે જ્યારે તાલિબાને દેશમાં સત્તા કબજે કર્યા પછી હજારો લોકો હવાઈ માર્ગે દેશ છોડવાના પ્રયાસમાં એરપોર્ટ પર પહોંચ્યા હતા.
કાબુલના રહેવાસી 26 વર્ષીય અબ્દુલ ગફારે કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે તુર્કોને મદદ કરવા માટે લોકોની જરૂર છે, તેથી મેં વિચાર્યું કે મારે ત્યાં જવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. તે મારા માટે દેશમાંથી બહાર નીકળવાની તક પણ હોઈ શકે છે.’ તેમણે વધું જણાવ્યું કે તેઓએ ઠંડી વચ્ચે એરપોર્ટ પાસે ત્રણ કલાક સુધી રાહ જોઈ, જ્યારે તાલિબાન બળે જણાવ્યું કે તુર્કી માટે આવી કોઈ ઉડાન નથી, ત્યારે હું ઘરે પાછો આવી ગયો.
ત્યાં જ, કાબુલ પોલીસના મુખ્ય પ્રવક્તા ખાલિદ જાદરાંએ જણાવ્યું કે કાબુલથી આવી કોઈ ઉડાન નથી. તેમણે લોકોને કહ્યું કે તેઓ કોઈ અફવાહના કારણે વ્યવસ્થાને ખરાબ કરે નહીં. તાલિબાન સરકારે એક નિવેદન જાહેર કરીને ભૂકંપ પ્રભાવિત તુર્કી અને સીરિયા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ, તેમણે તુર્કીને એક કરોડ અફઘાની અને સીરિયાને 50 લાખ અફઘાની રાહત પેકેજ આપવાની ઘોષણા કરી છે.