રાજકોટના નવાગામ (આણંદપર)ના પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ તેની શાળાના મહિલા શિક્ષિકાએ બદલી કરવાની તેમજ પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી અલગ-અલગ સ્થળે લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદના આધારે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી જે ગુનામાં કોર્ટે શાળાના પ્રિન્સિપાલને નિર્દોષ ઠરાવી ફરિયાદીને વળતર ચૂકવવા અથવા 30 દિવસની સજા ભોગવવા આદેશ તેમજ આ કેસની તપાસ કરનાર બે મહિલા પીએસઆઇ સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો હતો.
આ કેસમાં જાણવા મળતી વિગતો મુજબ સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સોસાયટીમાં રહેતા અને નવાગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રતુભાઇ રાયધનભાઇ ચાવડા સામે તેની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી વિકલાંગ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી઼
ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ હડમતિયા ગામની શાળામાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની સ્કૂલે આવતા હોય પરિચય થયો હતો બાદમાં તેની નવાગામ બદલી થતા ત્યાં રતુભાઇ ચાવડા પ્રિન્સિપાલ હોય તે વિકલાંગ હોવા છતાં તેને બાળકોને ભણાવવા ઉપરાંત ઓફિસનું કામ પણ કરાવતા હોય તેમજ તેને શરીરે અડપલાં કરતાં અને તારે મારી નીચે કામ કરવાનું છે તેમ કહી તેને બદનામ કરવાની અને તેના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર અલગ અલગ સ્થળે લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.
દરમિયાન કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા જેમાં વકીલ તુષાર ગોકાણીએ દલીલો કરી હતી અને આરોપી સામે તહોમતનો ઇનકાર કર્યો હતો તેમજ ફરિયાદી સહિતના સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી હતી અને ઊલટ તપાસ કરવામાં આવી હતી અને ફરિયાદીના પતિ વકીલ હોવા છતાં કોઇ કામ ન કરતા હોવાનું અદાલતમાં જણાવ્યું હતું તેમજ ફરિયાદી અને તેના પતિએ ખોટી કાલ્પનિક સ્ટોરી ઊભી કરી ફરિયાદ કરી હોવાનું તેમજ કોર્ટમાં ન આવવા માટે બીમારીના બહાના બતાવ્યા હતા તેમજ તબીબના રિપોર્ટમાં પણ ખોટું થયાના આક્ષેપ કર્યા હતા તેમજ તપાસ કરનાર પીએસઆઇ શિલ્પા ચૌધરી અને હંસાબા સોલંકીની જુબાનીમાં કેસના પુરાવાની ચોકસાઇ કર્યા વિના આરોપીની અટક કરી હતી તેમજ શાળાના કર્મચારી અને ગામ લોકોના નિવેદનો નોંધવામાં આવેલ હતા જેમાં ફરિયાદીના કેસને સમર્થન આપતા ન હોવાનું અને આરોપીએ તેનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ સંમતિ આપેલી હોય તેમજ ફરિયાદી સત્ય બોલતા હોય તેમ માની શકાય નહીં સહિતની દલીલો કરતા જજ જે.ડી.સુથારે આરોપીને નિર્દોષ ઠેરવી ફરિયાદી શિક્ષિકાને વળતર ચૂકવવા અથવા 30 દિવસની સજા ભોગવવા આદેશ કર્યો હતો તેમજ તપાસ કરનાર બન્ને મહિલા પીએસઆઇ સામે ખાતાકીય તપાસ કરવા આદેશ કર્યો હતો. તેમજ આ કેસના ચુકાદાની નકલ ગૃહ વિભાગ, પોલીસ મહાનિર્દેશક, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાનો હુકમ કર્યો હતો.