શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા અને બહુમાળી ભવનમાં અગાઉ નોકરી કરતા વૃદ્ધને ઇન્ટરનેશનલ સંસ્થાઓમાં રોકાણ કરાવવા અને ઊંચું વળતર આપવાની લાલચ આપી તેના રૂ.8.10 લાખની છેતરપિંડી કરનાર તેના જમાઇ સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે સુરત રહેતા તેના જમાઇ સામે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકેશભાઇ શંકરભાઇ પંડ્યાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે સુરતમાં આસોપાલવ રો-હાઉસમાં રહેતો જીજ્ઞેશ ગજાનનભાઇ જાનીનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, જમાઇ જીજ્ઞેશએ નાણાકીય ઇન્ટરનેશનલ સંસ્થાઓમાં ડિપોઝિટ કરી ઉંચા વળતર અપાવી દેવાની લાલચ આપી કટકે-કટકે રૂ.3.50 લાખ તેમજ રૂ.4.60 લાખ મળી કુલ રૂ.8.10 લાખ લઇ જઇ છેતરપિંડી કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.