પોરબંદરમાં છેલ્લાં 80 વર્ષથી કાર્યરત આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં રહીને અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. શેઠ નાનજી કાલીદાસ મહેતા દ્વારા સ્થાપિત આર્યકન્યા વિદ્યાલય ગુરુકુળમાં હાલ 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી અમુક વિદ્યાર્થિનીઓ દ્વારા હેરાનગતિ કરી, દબાણ કરી, સજાતીય સંબંધો બાંધવા માટે વિદ્યાર્થિનીઓને મજબૂર કરાતી હોવાનો દાવો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થિની અને તેના માતાપિતાએ કર્યો છે.
આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં વિદ્યાર્થિનીએ સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
સગીરાના માતાપિતાએ આમાં સંસ્થામાં કામ કરતી ગૃહમાતાઓ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ આ અંગે આચાર્યને ફરિયાદો કરી હોવા છતાં આચાર્ય પગલા લેવાને બદલે ઢાંકપિછોડ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સોમવારે આર્યકન્યા ગુરૂકુળમાં વિદ્યાર્થીનીના માતાપિતા અને સગાસંબંધીઓ આવ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના સભ્ય ડો. ચેતનાબેન તિવારી પણ ત્યાં પહોંચી ગયા હતા અને આ વિદ્યાર્થીની કોઇ ખરાબ બાબતનો ભોગ બને તે પહેલા જ તેના માતાપિતાએ દિકરીનું એડમીશન રદ્દ કરાવી દિકરીને સંસ્થામાંથી લઇ ગયા હોવાનું જાણવા મળેલ છે. જયારે બીજી તરફ આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા પોરબંદર જીલ્લા પોલીસ પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે