આજે CBI લીકર પોલીસી કૌભાંડમાં દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. તપાસ એજન્સીએ તેમને સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. હોબાળાની આશંકાને જોતા સિસોદિયાના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. તેમના ઘરની આસપાસ પણ કલમ 144 લાગુ કરાઈ છે.
સિસોદિયાએ સોમવારે કહ્યું કે, 'મારી સામે ખોટો કેસ કરીને મારી ધરપકડ કરવાની તૈયારી છે. હું આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનો હતો. આ લોકો ગુજરાતમાંખરાબ રીતે હારી રહ્યા છે. તેમનો હેતુ મને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જવાથી અટકાવવાનો છે.
1. મનીષ સિસોદિયાઃ મારા ગામમાં જઈને બધી તપાસ કરી, કંઈ મળ્યું નહીં. મારા જેલમાં જવાથી ગુજરાત ચૂંટણી પ્રચાર અટકશે નહીં. આજે દરેક ગુજરાતી ઉભા થયા છે. ગુજરાતનું બાળક હવે સારી શાળા, હોસ્પિટલ, નોકરી, વીજળી માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. ગુજરાતમાં આવનારી ચૂંટણી એક આંદોલન બની રહેશે.
2. કેજરીવાલઃ મનીષના ઘરે દરોડામાં કંઈ મળ્યું નહોતું, બેન્ક લોકરમાં કંઈ મળ્યું નથી. તેમની સામેનો કેસ સંપૂર્ણપણે ખોટો છે. ચૂંટણી પ્રચાર માટે તેમને ગુજરાત જવાનું હતું. તેમને રોકવા માટે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. પરંતુ ચૂંટણી પ્રચાર અટકશે નહીં. ગુજરાતનો દરેક વ્યક્તિ આજે 'આપ'નો પ્રચાર કરી રહ્યો છે.
કેજરીવાલે સિસોદિયાની સરખામણી ભગત સિંહ સાથે કરી, કોંગ્રેસે કહ્યું- આ શહીદનું અપમાન છે
આ પહેલા રવિવારે સીએમ કેજરીવાલે સિસોદિયાની સરખામણી ભગત સિંહ સાથે કરી હતી. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું કે, "જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના ઉંચા ઈરાદાઓને રોકી શકી નથી." આઝાદીની આ બીજી લડાઈ છે. કોંગ્રેસે તેને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું છે.
તેના જવાબમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે, કેજરીવાલ પોતાના ભ્રષ્ટ નેતાઓને દેશભક્ત કહેવાને બદલે ભગત સિંહ જેવા શહીદોનું અપમાન કરી રહ્યા છે. તપાસમાં તમામ બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે, દારૂનું લાઇસન્સ કોણે આપ્યું, કોના ઈશારે આપ્યું. તેથી સીબીઆઈએ સિસોદિયાની ધરપકડ કરવી જોઈએ. તેણે આ રુપિયા ક્યાં ખર્ચ્યા તે પણ શોધવું જોઈએ.