એક તરફ દિવાળીનો તહેવાર તો બીજી તરફ રાજકોટમાં બ્લડ બેન્કની અંદર લોહીની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળીના મહાપર્વ ને લઇ હાલ સ્વૈચ્છિક રક્તદાનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી રાજકોટની બ્લડ બેંકોમાં છેલ્લા પંદર દિવસથી તમામ ગ્રુપ રક્તની અછત જોવા મળી રહી છે. આ સંજોગોમાં, ઓપરેશન દરમિયાન જેમને રક્ત ચડાવવાની જરૂર પડે છે એવા સંખ્યાબંધ દર્દીઓ અને ખાસ કરીને થેલેસેમિક બાળકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
દિવાળીમાં લોહીની અછત જોવા મળતી
રાજકોટની ખાનગી બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર દરમિયાન દરેક બ્લડ બેંકમાં લોહીની અછત જોવા મળી રહી છે. તહેવાર સમયે દિવાળીના પર્વ પર શાળા કોલેજમાં વેકેશન હોવાથી, ઇન્ડસ્ટ્રીઝમાં રજા હોવાથી અને સામાજિક કાર્યક્રમો ઓછા થતા હોવાથી આ દિવસોમાં રક્તદાન કેમ્પનું આયોજન થઇ શકતું નથી જેના કારણે સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં લોહીની અછત જોવા મળતી હોય છે. જો કે આ સમયે બ્લડબેંકમાં પણ લોહીની જરૂરિયાત સામાન્ય દિવસો કરતા ઓછી જોવા મળતી હોય છે કારણ કે પ્રિ-પ્લાન કોઈ સર્જરી તહેવાર સમયે થતી નથી હોતી માત્ર ઇમરજન્સી તેમજ અકસ્માત, મહિલાઓમાં ડીલેવરીના કિસ્સા તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે જ લોહીની જરૂરિયાત ઉદભવતી હોય છે.