રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત બે દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 113 આસામીઓ પાસેથી 6.53 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 30,084નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી 6,700, વેસ્ટ ઝોનમાંથી રૂ.16,650 અને ઈસ્ટ ઝોનમાંથી પણ રૂ. 6,834નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પુરા શહેરની મિલ્કતોના જીઓ ટેગીંગ કરવાની કામગીરી એજન્સી મારફત ચાલી રહી છે. ભુતકાળની જેમ આ મિલ્કતોની વિગતો ગુગલ મેપ સાથે ઓનલાઇન પર લેવા માટેની કામગીરીમાં ક્ષતિ હોવાની ફરિયાદો મળી રહી છે. જેમાં હાલમાં જ રીજેક્ટ થયેલી મિલ્કતોનું લીસ્ટ કમિશ્નર પાસે મુકવામાં આવતા તેમને આવી મિલ્કતોના ફરી સર્વે માટે આદેશ આપ્યા છે. મનપાએ ખાનગી એજન્સીને સાડા ચાર લાખ જેટલી પ્રોપર્ટીની યાદી આપી હતી. તેમાંથી બે લાખ મિલ્કતોનું કામ ઓકે થયું છે. તો 60 હજાર જેટલી મિલ્કતમાં ફરી સર્વે કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ કામગીરી પૂર્ણ થતાં મિલ્કતોની ભૌગોલિક સ્થિતિ, બાકી કરવેરા, પાઇપલાઇન સહિતની જુદી જુદી સુવિધાઓ સાથેના મેપ બનાવવામાં આવી રહ્યા છે. આ ડેટા તૈયાર થાય એટલે માત્ર એક કલીક પર રાજકોટની કોઇ પણ મિલ્કતની હિસ્ટ્રી મનપા પાસે રહેશે.