દુનિયાભરમાં પોતાની તાકાત વધારવામાં વ્યસ્ત ચીનની નજર હવે બંગાળની ખાડી પર ટકેલી છે. ભારતને ઘેરવા માટે ચીન હવે પાકિસ્તાન, શ્રીલંકા અને માલદીવની જેમ બાંગ્લાદેશની સાથે નિકટતા વધારી રહ્યું છે. તાજેતરમાં સામાન્ય ચૂંટણી જીત્યા બાદ પાંચમી વખત બાંગ્લાદેશના પીએમ બનેલા શેખ હસીના અને બાંગ્લાદેશમાં ચીનના રાજદૂત યાઓ વેન વચ્ચે 4 એપ્રિલે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચીને બાંગ્લાદેશના દક્ષિણી ભાગના વિકાસમાં વિશેષ રસ દાખવ્યો છે. ચીન બંગાળની ખાડીની નજીક આવવા માંગે છે, જે ભારત માટે એક ચિંતાજનક બાબત છે. બાંગ્લાદેશનો દક્ષિણ ભાગ બંગાળ ડેલ્ટાનું મુખ છે. 2018માં બાંગ્લાદેશ સરકારે બાંગ્લાદેશ ડેલ્ટા પ્લાન પર કામ શરૂ કર્યું. હવે ચીન બાંગ્લાદેશની આ યોજના માટે કામ કરવા માંગે છે.
ચીનની નજર બંગાળની ખાડીના સમૃદ્ધ હાઇડ્રોકાર્બન ભંડારની સાથે-સાથે તેના શિપિંગ રૂટને સુરક્ષિત કરવા માગે છે. ચીનનો આ માર્ગ ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણના બિંદુથી 8 નોટિકલ માઈલ નીચેથી પસાર થાય છે. આ માર્ગ ચીનની લાઈફલાઈન છે. ચીનનું 70% ક્રૂડ અને તેનો 60% વેપાર મલાક્કામાંથી પસાર થાય છે.