રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ગુરુવારે (29 ઓગસ્ટ) એની 47મી વાર્ષિક સામાન્ય સભામાં Jio AI ક્લાઉડ વેલકમ ઑફરની જાહેરાત કરી હતી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આમાં Jio યુઝર્સને 100 GB સુધી ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. ફોટા, વીડિયો, દસ્તાવેજો અને અન્ય ડિજિટલ સામગ્રીને ક્લાઉડ સ્ટોરેજમાં સંગ્રહિત કરી શકાય છે. આ ઓફર દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. આ સાથે અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ 5 સપ્ટેમ્બરે 1:1 રેશિયોમાં બોનસ શેર આપવા પર વિચાર કરશે.
અંબાણીએ કહ્યું- Jio આઠ વર્ષમાં વિશ્વની સૌથી મોટી મોબાઈલ ડેટા કંપની બની ગઈ છે. દરેક Jio વપરાશકર્તા દર મહિને 30 GB ડેટા વાપરે છે. એની કિંમત વિશ્વની સરેરાશના ચોથા ભાગની છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શેરધારકોને સંબોધતાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જામનગર વિશ્વની એનર્જી કેપિટલ છે. 2025 સુધીમાં જામનગર આપણી નવી ઊર્જા વ્યવસાયનું કેન્દ્ર પણ બની જશે. ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ એક જ સ્થાન પર વિશ્વની સૌથી મોટી, સૌથી આધુનિક, મોડ્યુલર અને સંકલિત ઇકોસિસ્ટમ હશે.