રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર દોઢ કલાકમાં શહેરમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો અને સૈજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઇવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં સ્કૂલવાન બંધ પડી ગઇ હતી, આથી વિદ્યાર્થીઓને પાણીમાં ઊતરી વાનને ધક્કો મારવો પડ્યો હતો. અસારવામાં ઘૂંટણ સમાં પાણી ભરાતાં બેથી ત્રણ એએમટીએસ બસ બંધ પડી હતી તેમજ અસારવામાં એક અને ચામુંડા બ્રિજ પાસે એક એમ બે એમ્બ્યુલન્સ થોડીવાર માટે ફસાઇ હતી.
શહેરમાં બપોરના 12 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. બે કલાક સુધી વરસાદ વરસ્યા બાદ બંધ થયો હતો અને ફરીવાર 4 વાગ્યે મેઘ સવારી આવી પહોંચી હતી. જેને પગલે ગઈકાલે નોંધાયેલું 37 ડિગ્રી તાપમાન ગગડીને 29 ડિગ્રીએ પહોંચી ગયું હતું.