રાજકોટ શહેરમાં છેલ્લા 5 દિવસથી આકરી ગરમી પડી રહી છે. સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. હજુ ચારથી પાંચ દિવસ આ જ સ્થિતિ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ચાલુ સપ્તાહે રાજ્યના દક્ષિણ ભાગોમાં માવઠાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે ત્યારબાદ 14 કે 15 તારીખે તેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે અને ત્યારે એકાદ બે દિવસ તાપમાનમાં ઘટાડો આવતા રાહત થશે જોકે ત્યારબાદ ફરીથી પારો એ જ 40 ડિગ્રીની ઉપર જ સ્થિર થશે. મે માસના અંતિમ સપ્તાહ સુધીમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ થશે અને ત્યારે પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે ત્યાં સુધી પારો ઘટવાના એંધાણ નથી.