ઓરિસ્સાથી 1500 કિમી દૂર ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું નેટવર્ક સુરતની લાજપોર જેલમાંથી ઓપરેટ થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યનો કુખ્યાત આરોપી શિવા મહાલિંગમ જ આ નેટવર્ક ચલાવતો હોવાની સત્તાવાર નોંધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી છે. ઉલ્લેખનિય છે કે, ચાર દિવસ અગાઉ ક્રાઈમ બ્રાન્ચે વટવામાંથી 200 કિલો ગાંજા સાથે સાત આરોપીઓની ધરપકડ કરી હતી. તેમણે ભરૂચમાં પણ આટલો જ જથ્થો ઉતાર્યો હોવાની વિગતો પણ પોલીસને મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજીયાણનું કહેવું છે કે, અમદાવાદમાં ગાંજાના નેટવર્કને તોડી પાડવા તપાસ ચાલી રહી હતી ત્યારે કેટલાક લોકો પર સર્વેલન્સ ચાલી રહ્યું હતું, જેમાં લાજપોર જેલ સ્થિત શિવા મહાલિંગમના નેટવર્કની માહિતી મળી હતી. તેના નજીકના લોકો પર વોચ ગોઠવી અને ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને આ ખેપ પકડી હતી.