અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનની ધમકી છતાં ઈઝરાયલને કોઈ અસર થઈ નથી. ઈઝરાયલે રાફા પર સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરી છે. અમેરિકાની ચેતવણી પર ઇઝરાયલના પીએમ નેતન્યાહૂની જીદ ભારે પડી રહી છે. શુક્રવારે ઇઝરાયલી ટેન્કોએ પૂર્વીય રાફાના અડધા ભાગને ઘેરી લીધો હતો. ઇજિપ્તને અડીને આવેલા દક્ષિણ-પૂર્વીય ભાગથી રાફામાં પ્રવેશ્યા પછી ઇઝરાયલની ટેન્કો ગાઝાપટ્ટીને બે ભાગામાં વહેંચનાર સલાહુદ્દીન રોડ પર પહોંચી ગઈ છે. ‘રેડ ઝોન’માં પ્રવેશી છે. છેલ્લા 24 કલાકમાં હવાઈ હુમલામાં 15 લોકોના મોત થયા છે.
આ પહેલા રાફા હુમલાના લીધે બાઇડન-નેતન્યાહુના સંબંધો વધુ ખરાબ થયા હતા. બંને દેશો વચ્ચે તણાવભર્યા સંબંધોના બીજ રોપાયાં છે. નેતન્યાહુએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો ઈઝરાયલ પોતાના નખથી લડશે.
રાફાના પશ્ચિમ ભાગમાં રહેતા 50 વર્ષીય અલ સુલતાનનું કહેવું છે કે આખા શહેરમાં ટેન્કના શેલ પડી રહ્યા છે. અહીં કોઈ જગ્યા સુરક્ષિત નથી. ઈઝરાયલની સેના સમગ્ર રાફાને ટેન્કના શેલ અને હવાઈ હુમલાથી નિશાન બનાવી રહી છે. તેમણે કહ્યું કે પૂર્વ રાફાને ખાલી કરાવવામાં આવ્યું છે અને હવે લોકો પશ્ચિમ રાફાથી ભાગી રહ્યા છે. અલ સુલતાનનું કહેવું છે હું રાફાથી જવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મારા પરિવાર માટે ટેન્ટ ખરીદવા માટે હું 2,000 શેકેલ પરવડી શકતો નથી.