દેશમાં રિટેલ ફુગાવો ખૂબ જ વધારે છે ત્યારે આ તબક્કે રેટકટ ખૂબ જ વહેલું અને જોખમી સાબિત થઇ શકે છે તેમજ ભવિષ્યની નાણાકીય નીતિ માટેનો એક્શન પ્લાન આવકના ડેટા તેમજ આઉટલુક પર નિર્ભર રહેશે તેવું RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. અગાઉ આ મહિનાની શરૂઆતમાં RBIએ ફુગાવાને ધ્યાનમાં રાખતા વ્યાજદરો ફરી એક વખત યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ મોનેટરી પોલિસી માટેના વલણને તટસ્થ કર્યું હતું.
મોનેટરી પોલિસીની આગામી બેઠક 6 ડિસેમ્બરના રોજ યોજાશે. બ્લૂમબર્ગ દ્વારા આયોજિત ઇન્ડિયા ક્રેડિટ ફોરમને સંબોધિત કરતા દાસે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં ફુગાવો ખૂબ વધુ હતો અને તેમાં ઘટાડા પહેલા આગામી ડેટામાં પણ ફુગાવો ઊંચા સ્તરે રહે તેવી ધારણા છે. એટલે જ આ તબક્કે રેટકટ ખૂબ જ જોખમી પગલું સાબિત થઇ શકે છે.
ભવિષ્યમાં રેટકટ અંગે કોઇપણ સંકેત આપવાનો ઇનકાર કરતા તેમણે આવકના ડેટા તેમજ દેખાવ પર રેટકટનો નિર્ણય રહેશે તેવું જણાવ્યું હતું. રિઝર્વ બેન્ક ફાઇનાન્સિયલ માર્કેટ પર નજીકથી મોનિટરિંગ કરે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે નિયમનકારી પગલાં લે છે. RBIએ સચિન બંસલની નાવી ફિનસર્વ અને અન્ય ત્રણ NBFCને 21 ઑક્ટોબરના રોજ બિઝનેસની સમાપ્તિથી લોન મંજૂર તેમજ વિતરણ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યાના એક દિવસ બાદ આ નિવેદન સામે આવ્યું છે.