રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી 40-42 ડિગ્રી ગરમીની વચ્ચે મધ્યપ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતને કારણે સૌરઠ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં 40-50 કિ.મી. ઝડપે ફૂંકાયેલા પવન સાથે ગાજવીજ માવઠું તૂટી પડ્યું હતું. અમરેલીમાં સવા ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.
જ્યારે આણંદ- વડોદરા, હિંમતનગરમાં ઘણી જગ્યાએ વીજળી પડતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. જોકે, માવઠાને કારણે કેરી અને ઉનાળુ પાકને નુકસાન થયું છે. સુરેન્દ્રનગર અને હિંમતનગરમાં વીજળી પડતા બે યુવકના મોત થયા હતા. જ્યારે એક મહિલાનું ઝૂંપડાં નીચે દટાઇ જવાથી મોત થયું હતું. હિંમતનગરના આગીયોલમાં પતરું પડતાં મહિલાનું મોત, હિંમતનગરમાં બે વેપારીને કરંટ લાગ્યો,માલપુર વીજળી પડતાં યુવકનું મોતનિપજ્યું હતું.
સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે ખેતરમાં કામ કરી રહેલા ચંદ્રિકાબેન ઉદેશા પર અચાનક વીજળી પડતા સ્થળ પરજ ઘટના સ્થળે મોત થયું હતું. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અનેક સ્થળે 16મી મે સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.