ભારત-પાકિસ્તાનના ઘણા શહેરો હાલમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન હવામાન વિભાગ અનુસાર, 14-18 એપ્રિલની વચ્ચે દેશના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં 8 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમી પડવાની ધારણા છે.
બલુચિસ્તાન પ્રાંતમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે જો તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય તો મનુષ્યો માટે ગંભીર ખતરો ઉભો થઈ શકે છે, કારણ કે સામાન્ય માનવ શરીર માટે આટલું તાપમાન સહન કરવું ખૂબ મુશ્કેલ છે.
બલુચિસ્તાનના ડેરા મુરાદ જમાલી શહેરમાં રહેતા અયુબ ખોસાએ સીએનએનને જણાવ્યું કે, આ વખતે લોકો ગરમીથી પીડાઈ રહ્યા છે. અહીં દિવસમાં 16 કલાક વીજળી ગુલ રહે છે, જેના કારણે ગરમી સહન કરવી વધુ મુશ્કેલ બની ગઈ છે.
ભારત-પાકિસ્તાનમાં સમય પહેલા ચાલી રહી છે હીટવેવ ભારતમાં પણ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં લોકોને સામાન્ય દિવસો કરતાં વધુ ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે.
રાજધાની દિલ્હીમાં આ મહિનામાં ત્રણ વખત તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જે સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
બંને દેશોમાં સામાન્ય રીતે મે અને જૂનમાં હીટવેવ આવે છે, પરંતુ આ વર્ષે હીટવેવની સ્થિતિ વહેલી આવી ગઈ છે અને તે લાંબા સમય સુધી ચાલવાની ધારણા છે.