દેશમાં એપ્રિલ દરમિયાન સામાન્ય જનતાને મોંઘવારીને મામલે આંચકો લાગે તેવા સમાચાર છે. એપ્રિલ દરમિયાન શાકભાજી સહિતના કેટલાક ખાદ્યપદાર્થોની વધતી કિંમતને કારણે જથ્થાબંધ ફુગાવો 13 મહિનાની ટોચે 1.26% નોંધાયો છે. WPI આધારિત ફુગાવામાં સતત બે મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે. તે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન અનુક્રમે 0.20% અને 0.53% હતો. ગત વર્ષે એપ્રિલ દરમિયાન WPI ફુગાવો 0.79% રહ્યો હતો.
એપ્રિલમાં WPI ફુગાવો 13 મહિનાની ટોચે છે. અગાઉ માર્ચ 2023 દરમિયાન ડબલ્યુપીઆઇ ફુગાવો 1.41% સાથે સર્વાધિક સ્તરે હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ 2024 દરમિયાન ખાદ્યપદાર્થો, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ તેમજ અન્ય ઉત્પાદિત વસ્તુઓની કિંમતમાં તેજીને કારણે ફુગાવો પણ વધ્યો હતો.
એપ્રિલ દરમિયાન ખાદ્યચીજોનો ફુગાવો 7.74% રહ્યો છે. ફ્યુલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો એપ્રિલ દરમિયાન વધીને 1.38% હતો, જે ગત મહિના દરમિયાન -0.77% હતો.
ખાદ્યચીજોમાં શાકભાજીમાં ફુગાવો 23.60% હતો, જે ગત મહિના દરમિયાન 19.52% રહ્યો હતો. બટાકામાં મોંઘવારી દર એપ્રિલ દરમિયાન વધીને 71.97% હતો.