આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. ત્યાર બાદ વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટાચૂંટણી લડશે. ભાજપમાં રાજકીય સમીકરણ સેટ થઈ જતાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે, જોકે અગાઉ બે વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે એવી ચર્ચાઓ ચાલી હતી.
'હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું'
જોકે થોડા દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ એને અફવા ગણાવી હતી અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા કોઈપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.