વડોદરાના સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધાના ગળામાંથી 3 તોલા સોનાની ચેઇન તોડીને બાઈક પર આવેલા 2 શખસ ફરાર થઈ ગયા હતા. આ મામલે વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે CCTVની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બેંને રીઢા ગુનેગારાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સમા પોલીસને સોંપ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેઇન, બે બાઇક અને 2 મોબાઇલ મળીને કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓએ વડોદરા શહેરમાં અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1, સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં 4 ગુના ચેઇન સ્નેચિંગના હતા. જ્યાર એક ગુનો પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઓમનગર સોસાયટીમાંથી બાઇક ચોરીનો હતો. આમ પોલીસને વડોદરામાં 5 ગુના ઉકેલવામાં સફળતા મળી છે. જો કે, આરોપી વૈભવ જાદવ અગાઉ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરત ખાતે જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી અને પ્રોહિબિશન મળીને કુલ 15 ગુનામાં પકડાયેલો છે અને એક વખત પાસામાં ગયેલો છે. જ્યારે આરોપી ભાવિન ચાંડપા અગાઉ જૂનાગઢ, રાજકોટ અને ગીર સોમનાથ ખાતે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના 10 ગુનામાં પકડાયેલો છે. આમ બંને રીઢા ગુનેગારો છે.