ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ના સૌથી મહત્ત્વપૂર્ણ શહેર ગ્વાદરમાં ફરી કાંટાળા તાર સાથે વાડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 24 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને આખા શહેરને પોતાના કબજામાં લેનાર આ પ્રોજેક્ટને બલુચિસ્તાનના લોકો અને નાગરિક સમાજના વિરોધ બાદ અટકાવવાની ફરજ પડી હતી.
પરંતુ તાજેતરના સમયમાં અહીં કામ કરતા ચીનના કર્મચારીઓ પર હુમલામાં વધારો થયા બાદ આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં 2020માં પહેલીવાર શરૂ થયેલો આ આખો પ્રોજેક્ટ ચીનની દેખરેખમાં ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં પહોંચવા માટે માત્ર બે જ રસ્તા રહેશે. 500થી વધુ કેમેરા લગાવીને સમગ્ર ફેન્સિંગ પર નજર રાખવામાં આવશે.
સ્થાનિક બલુચીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે કારણ કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેમના જ શહેરમાં રહેવા માટે સ્થાનિકોને પરવાનગી લેવી પડશે . સ્થાનિક સામાજિક કાર્યકરો કહે છે કે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલા શહેરમાં પહેલાથી જ ઘણાં બેરિકેડ છે. ઘણી જગ્યાએ સૈન્ય ચોકીઓ અને ફેન્સિંગ દ્વારા સ્થાનિક લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.