આરબીઆઈ દ્વારા રૂા.2 હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જ વડોદરાથી ઉમરા કરવા ગયેલા 15 જેટલા લોકો મુસીબતમાં મુકાયા છે. સાઉદીના એક્સચેન્જ સેન્ટરમાં વડોદરાના યાત્રાળુઓ રૂા.2 હજારની નોટ એક્સચેન્જ કરવા માટે પહોચતા ત્યાંના કર્મચારીઓએ આ નોટ ભારત સરકારે બંધ કરી દિધી હોવાથી અમે નહી લઈએ તેવો જવાબ આપતા પરિવારો અટવાયા હતાં.
વડોદરાના નવાયાર્ડ ડી-કેબીનમાં રહેતા ઈબ્રાહીમભાઈ રાઠોડ અને સાવલીના ગોઠડા ગામના સૈયદ વારીસઅલી કાસમઅલીએ જણાવ્યું હતું કે, તેઓ ઉમરા કરવા સાઉદી ગયા હતાં. જેમાં વારીસભાઈને ખર્ચ કરવા વધુ વિદેશી કરન્સીની જરૂર હોવાથી તેઓ નજીકના એક્સચેન્જ સેન્ટર પર પહોચ્યાં હતાં. તેઓ પોતાના ઘરેથી રૂા.2 હજારની 5થી 6 નોટ લઈ ગયા હતાં.
આ નોટ તેમને એક્ષચેન્જ સેન્ટર પર આપતા થોડી વારમાં કર્મચારીએ આ નોટ ભારતમાં બંધ થઈ હોવાથી તેઓ નહી લઈ શકે તેમ જણાવી પરત આપી હતી. જેને કારણે તેઓ અસમંજસમા મુકાઈ ગયા હતાં. જોકે તેમને પોતાના સગાવહાલાઓની મદદ લઈને પોતાના ખર્ચ માટે વિદેશી કરન્સી મેળવવી હતી તેનું આયોજન કરી લીધું હતું.