દેશમાં સૌથી મોટા મૂલ્યની રૂપિયા 500ની નોટને લઈને આરબીઆઈએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મંગળવારે જારી વાર્ષિક રિપોર્ટમાં બેન્કે કહ્યું છે કે, 2021-22માં 500ની 79,669 નકલી નોટ બેન્ક પાસે આવી હતી. 2022-23માં આ સંખ્યા વધીને 91,110 થઈ ગઈ. એટલે કે રૂ. 500ની નકલી નોટ વર્ષમાં 14.4% વધી ગઈ. તેનાથી વિપરીત હવે બંધ થઈ ચૂકેલી રૂ. બે હજારની નોટનું ચલણ આ દરમિયાન 27.9% ઘટી ગયું.
આ રિપોર્ટ પ્રમાણે, 2022-23 દરમિયાન નકલી નોટો ઘટી છે. 2022-23માં તમામ મૂલ્યની 2,25,769 નકલી નોટ મળી હતી, જ્યારે 2020-21માં 2,30,971 નોટ જ મળી હતી. હાલ દેશમાં રૂ. 500ની નોટનો હિસ્સો 37.9% છે.
આરબીઆઈએ કહ્યું છે કે, 2022-23માં દેશનો વિકાસદર 7% રહ્યો છે. આ જ ગતિ 2023-24માં જળવાઈ રહેશે તેવી આશા છે. આ કારણસર આરબીઆઈએ આ વર્ષે વિકાસદર 6.5% રહેવાની આશા વ્યક્ત કરી છે. આરબીઆઈના મતે, આગામી દિવસોમાં ખાદ્યાન્નની મોંઘવારી કાબૂમાં રહેશે. નિકાસ વધવાથી અને આયાતી ચીજવસ્તુઓની કિંમત ઘટવાથી ચાલુ ખાતાની ખાધ પણ ઘટશે. વૈશ્વિક પુરવઠા ચેઈનમાં પણ ભારતની ભાગીદારી વધશે. વિદેશી રોકાણકારો માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. તેનાથી સીધું વિદેશી રોકાણ વધશે. જોકે વૈશ્વિક અસ્થિરતાના કારણે વિદેશી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટમાં અસ્થિરતા જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.