રથયાત્રાના રૂટ પર આવતા દરિયાપુર, શાહપુર, કાલુપુર, જમાલપુર તેમજ કારંજ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રથમ વખત કાયમી ધોરણે 1500 સીસીટીવી લગાવવાનું શરૂ કરાયું છે. હાલ 348 સીસીટીવી લાગી ગયા છે. તોફાન કે કાંકરીચાળાના સંજોગોમાં તોફાની તત્ત્વો પકડાય તે માટે ક્રાઈમ બ્રાન્ચે 8 વિસ્તારમાં સીસીટીવી પ્રોજેકટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યને જણાવ્યું કે, સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેકટ હેઠળ રથયાત્રાના રૂટ પરના 18 કિલોમીટરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કરાયું છે. આ રૂટ પર આવેલી તમામ દુકાનો, પોળ, સોસાયટીના સભ્યો સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મીટિંગો કરી હતી. 7 જુલાઈએ રથયાત્રા પહેલા 18 કિલો મીટરના આખા રુટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કોટ વિસ્તારોમાં ક્યારેય કોઈ સીસીટીવી લગાવતું જ નથી. જેના કારણે કોઈ તાકીદની પરિસ્થિતિ સર્જાય તો તોફાન કરનારાને છટકવાનો મોકો મળશે નહીં.