લગ્નની લાલચે આઠ વર્ષ પૂર્વે અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઇ તરુણી પર દુષ્કર્મ આચરનાર નયન નામના આરોપી સામે કેસ ચાલી જતા ખાસ અદાલતે આઇપીસીની કલમ 363 હેઠળ 4, કલમ 366 હેઠળ 5 અને પોક્સોની કલમ હેઠળ 10 વર્ષની સખત અને 90 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીને ભોગ બનનારને રૂ.1 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
ઇમિટેશનના વેપારીની 16 વર્ષની પુત્રીને આરોપી નયન લગ્નની લાલચ આપી 2015માં અપહરણ કરી ગયો હતો. અપહરણ કરી તરુણીને શહેરના આજી ડેમ વિસ્તારમાં તેમજ વડોદરા શહેર લઇ જઇ અનેક વખત બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવની ભક્તિનગર પોલીસમાં અપહરણ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદને પગલે આરોપી નયન પોલીસ ધરપકડથી બચવા માટે નાસી ગયો હતો. પોલીસે આરોપી સામે ખાસ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા કેસ અન્ડર ટ્રાયલ હતો. તે દરમિયાન બનાવ બાદ નાસતો ફરતા આરોપી નયન વિરુદ્ધ ખાસ અદાલતે વોરંટ ઇશ્યૂ કર્યું હતું. વોરંટ ઇશ્યૂ થયા બાદ પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી નયન પોલીસ સકંજામાં સપડાઇ જતા તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. બીજી તરફ ખાસ અદાલતમાં ચાલી રહેલા કેસમાં સરકારી વકીલ મહેશભાઇ એસ. જોશીએ કેસને મજબૂત કરવા તરુણી, તરુણીના પિતા, તપાસનીશ અધિકારીની જુબાની લીધી હતી.