નવેમ્બર શરૂ થઈ ગયો છતાં ઠંડી શરૂ થઇ નથી. આમ, વાતાવરણની પ્રતિકૂળ અસર પડતા શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે. ડુંગળીનો ભાવ સતત ઊંચો જળવાયેલો રહ્યો છે. એક મણ ડુંગળીનો ભાવ રૂ. 800 થયો છે. જો ઠંડીની શરૂઆત થશે તો શાકભાજીના ભાવમાં ઘટાડો આવે તેવી સંભાવના છે. ભીંડો, ગુવાર, કોથમરી, કોબિજ, કાકડી સહિત તમામ શાકભાજીનો ભાવ રૂ. 30થી 40 સુધી અને છૂટક બજારમાં તેનો ભાવ રૂ. 50થી 60 સુધી બોલાઈ રહ્યો છે. હાલ શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
આ અંગે શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડાના જણાવ્યાનુસાર સ્થાનિક આવકમાં ઘટાડો થયો છે. ડુંગળીનો ભાવ વધ્યો એનું કારણ વરસાદ અને તાપ બન્ને ગણાવી શકાય. પહેલી વખત જ્યારે પાકનું વાવેતર કર્યું ત્યારે વરસાદ આવ્યો ત્યારબાદ આકરો તાપ પડ્યો અને ફરી વાવેતર કર્યું ત્યારે પણ વરસાદ અને આકરો તાપ જોવા મળ્યા. જેને કારણે પાકમાં ઉતારો ઓછો આવ્યો છે. રાજકોટ ઉપરાંત નાસિકની ડુંગળીનો ભાવ પણ ઊંચો છે. અને ત્યાંથી જે કોઈ માલ મગાવે છે તેને ટ્રાન્સપોર્ટેશન ભાડા પણ ઉંચા ચૂકવવા પડે છે. આથી ત્યાંથી માલ જરૂર પૂરતો જ મગાવવામાં આવે છે. ભાવ ઉંચા જતા ડુંગળીની ડિમાન્ડમાં પણ ઘટાડો આવ્યો છે.