રાજ્ય સરકાર દ્વારા સિવિયર હાઇરિસ્ક સગર્ભા માતાઓના મૃત્યુનો દર નીચો લાવવા ચાલુ નાણાકીય વર્ષથી ખાસ યોજના અમલી કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 1 એપ્રિલથી 28 મે સુધીમાં સિવિલ હોસ્પિટલમાં કુલ 105 અતિ જોખમી સગર્ભા માતાઓની ડિલિવરી કરવામાં આવી છે. સરકારના ધારાધોરણ મુજબ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવ્યા બાદ સાત દિવસ સુધી દાખલ રહેનાર માતાઓને રૂ.15-15 હજારની સહાય ચૂકવવા જિલ્લા આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રાજકોટ જિલ્લામાં દર વર્ષે સગર્ભા માતાઓની 31થી 32 હજાર નોંધણી થવાનો લક્ષ્યાંક અપાયો છે અને તે મુજબ દર મહિને 2500થી 2700 સગર્ભાની નોંધણી થવી જોઇએ. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સગર્ભા બન્યા બાદ 84 દિવસમાં તેની નોંધણી થઇ જાય તો તેને સરકાર દ્વારા અપાતા ન્યૂટ્રિશિયન, દવાઓ સહિતના તમામ લાભો આપી શકાય છે. આ માટે દર મહિને આશાવર્કર બહેનો દંપતીઓના ઘેર જઇને તપાસ કરતા હોય છે અને તેઓ માસિક ચક્રમાં આવ્યા છે કે નહીં તેની પૂછપરછ પણ કરી રિપોર્ટ મેળવતા હોય છે.
આ આશાવર્કર બહેનો હાઇરિસ્ક સગર્ભા માતાઓને સરકારની સહાય યોજના વિશે માહિતી આપતા હોય છે અને સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવી અને ત્યારબાદ સાત દિવસ સુધી દાખલ રહેવાથી મૃત્યુનું જોખમ ટાળી શકાય છે તેવી સમજ આપતા હોય છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે અને ગત 1 એપ્રિલથી શરૂ થયેલી રાજ્ય સરકારની નવી યોજના મુજબ 28મી મે સુધીમાં કુલ 105 સગર્ભા માતાએ સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી છે અને તેઓ તમામ સ્વસ્થ છે. તેમના માટે અલગ વોર્ડ જ ઊભો કરાયો છે.