PACL (પર્લ એગ્રોટેક કોર્પો. લિ.) માં રોકાણ કરનારા 19 લાખ રોકાણકારોને રિફંડ તરીકે રૂ.920 કરોડ મળ્યા છે. રોકાણકારોએ રૂ.17,000 સુધીના ક્લેમ કર્યા હતા. માર્કેટ નિયામક સેબીને જાણવા મળ્યું હતું કે PACL લિમિટેડે છેલ્લા 18 વર્ષમાં એગ્રિકલ્ચર અને રિયલ એસ્ટેટ બિઝનેસના નામે ગેરકાયદેસર ક્લેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (CISs) મારફતે રોકાણકારો પાસેથી રૂ.60,000 કરોડ એકત્ર કર્યા હતા. નિવૃત્ત જસ્ટિસ આર.એમ લોઢાની અધ્યક્ષતા હેઠળની પેનલે રોકાણકારો માટે તબક્કાવાર રિફંડની પ્રક્રિયા ચાલુ કરી છે. PACLમાં રોકાણ કરનારા લોકો માટે આ રિફંડની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
સેબીની વેબસાઇટ પર ઉપલબ્ધ નિવેદન અનુસાર સમિતિએ રિફંડ માટેની 19,61,690 અરજીઓ માટે રૂ.919 કરોડના રિફંડની પ્રક્રિયા શરૂ કરી છે. સમિતિએ ફેબ્રુઆરીમાં PACLમાં રૂ.17,000 સુધીનું રોકાણ ધરાવતા રોકાણકારો પાસેથી PACL લિમિટેડના અસલ પ્રમાણપત્ર મગાવ્યું હતું જેથી કરીને અસલ પ્રમાણપત્રની ખરાઇ બાદ રોકાણકારોને તેમના પૈસા પરત કરી શકાય. ઓરિજિનલ સર્ટિફિકેટને સ્વીકારવા માટેની સમયમર્યાદા 27 ફેબ્રુઆરીથી 20 માર્ચ, 2023 સુધીની હતી.