રાજકોટ રેલવે ડિવિઝનના આરપીએફ સ્ટાફે ટિકિટ બુકિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરપીએફ ટીમે દ્વારા જુદા-જુદા રાજ્યોમાંથી 6 વ્યક્તિની ધરપકડ કરીને રૂ.43 લાખની રેલવે ટિકિટ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજકોટના એક વ્યક્તિ સહિત 6 આરોપીએ અત્યાર સુધીમાં 28 કરોડની ટ્રેનની ટિકિટ વેચી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ એજન્ટ આઈઆરસીટીસીનું લાઇસન્સ પણ ધરાવતા ન હતા, તેઓ ગેરકાયદે સોફ્ટવેરનો ઉપયોગ કરીને એડવાન્સ બુકિંગ અને તત્કાલ ટિકિટનું જથ્થામાં બુકિંગ કરી રહ્યાં હતાં.
કન્હૈયાગીરીની મુંબઈથી ધરપકડ કરાઈ
હ્યુમન ઇન્ટેલિજન્સે આપેલી બાતમીના આધારે RPFએ આરોપીઓને પકડ્યા હતા. RPF ટીમે રાજકોટ દ્વારા મન્નાન વાઘેલા (ટ્રાવેલ એજન્ટ)ને ઝડપી લીધો છે. કન્હૈયાગીરીની મુંબઈથી ધરપકડ કરાઈ છે. પૂછપરછ દરમિયાન ગીરીએ અન્ય સહયોગીઓ અને વાપી એડમિન/ડેવલપર અભિષેક શર્માના નામ જાહેર કર્યા હતા જેની ધરપકડ કરવામાં આવી હતી. અભિષેક શર્માએ ગેરકાયદે સોફ્ટવેરનો સંચાલક હોવાની કબૂલાત કરી છે.