જાપાનમાં એક તૃતીયાંશ મહિલાઓ 50 વર્ષ સુધી અપરિણીત રહે છે. જ્યારે 60% મહિલાઓ 30 વર્ષ સુધી લગ્ન કરતી નથી. આ જ કારણથી અહીં મહિલાઓ માટે ખાસ હોસ્ટ ક્લબોની સંખ્યા સતત વધી રહી છે. અહીં તેમને ભાવનાત્મક અને માનસિક સહયોગ ઉપરાંત મનોરંજન પણ મળે છે. તેને કારણે છેલ્લા કેટલાક વર્ષથી રાજધાની ટોક્યોમાં ક્લબોની સંખ્યા વધીને 900 થઇ ચુકી છે. તેમાં 21 હજાર હોસ્ટ કામ કરે છે. તેમનું કામ મહિલાઓની પ્રશંસા અને ભાવનાત્મક સહયોગ આપવાનું છે.
ટોક્યોના કાબુકિચો વિસ્તારમાં આવું જ એક પ્રખ્યાત હોસ્ટ ક્લબ છે. અહીં એક અલગ સંસ્કૃતિનો અનુભવ થાય છે. અહીં જાપાની મહિલાઓ પુરુષોને તેમના દેખાવ અને તેમની સરાહના કરવા માટે પૈસા આપે છે.
હિરાગી સારેન, જે 25 વર્ષના હોસ્ટ છે, તેઓ જણાવે છે કે હોસ્ટ ક્લબ વધવા પાછળ સામાજિક કારણ છે. સારેન અનુસાર, જાપાની મહિલાઓ, ખાસ કરીને જે એકલી છે, વાસ્તવમાં એકલતાનો શિકાર છે. તે પોતાનો અનુભવ શેર કરવા માટે પુરુષોની શોધ કરે છે. આ જ કારણથી આ મહિલાઓ આવા ક્લબો તરફ આકર્ષિત થાય છે.
જાપાનમાં હોસ્ટ ક્લબોની શરૂઆત 1960ના દાયકામાં થઇ હતી. પહેલા આ ક્લબ મુખ્યત્વે અમીર મહિલાઓ માટે જ હતા. જો કે, વર્ષ 1980ના દાયકા બાદથી અહીં મહિલાઓમાં લગ્ન ન કરવાનું ચલણ મોટા પાયે વધ્યું છે. એટલે જ હોસ્ટ ક્લબ હવે અમીરોના સ્થાને તમામ જાપાનીઓની પસંદગી બની રહ્યા છે. હવે હોસ્ટ ક્લબ જાપાની પૉપ કલ્ચરનો મોટો હિસ્સો બની ગયા છે.