ભારતીય શેરબજારમાં ચાલુ નાણાકિય વર્ષના પહેલા મહિનામાં 9 ટ્રેડિંગ સેશનમાં પોઝિટીવ બંધ આપ્યું છે. વૈશ્વિક સ્તરે પોઝિટીવ માહોલ બની રહ્યો છે. મોંઘવારીમાં ઘટાડાના કારણે સેન્ટ્રલ બેન્કો હવે વ્યાજદર વધારો નહીં અપનાવે તેવા અહેવાલે બજારને સપોર્ટ મળ્યો છે. વિદેશી રોકાણકારોની આક્રમક એન્ટ્રીથી ભારતીય રોકાણકારોની મૂડીમાં સરેરાશ 10 લાખ કરોડથી વધુનો વધારો થઇ માર્કેટ કેપ 266 લાખ કરોડની સપાટી નજીક પહોંચી છે.
સેન્સેક્સ 2817.28 પોઇન્ટ સુધર્યો છે. શુક્રવારે બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે માર્કેટ બંધ હોવાથી સપ્તાહના અંતીમ દિવસે સેન્સેક્સ 38.23 પોઈન્ટ વધીને 60431 બંધ રહ્યો હતો જ્યારે ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 60486.91 અને 60081.43 પોઇન્ટની નીચી સપાટી દર્શાવી હતી. નિફ્ટી 15.60 પોઈન્ટ વધીને 17828 પર બંધ રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત બની 81.84 બંધ રહ્યો છે.
આઇટી કંપનીઓના ત્રિમાસીક ગાળાના પરિણામો અનુમાન કરતા મજબૂત રહ્યાં છે. ઇન્ફોસીસના રિઝલ્ટ પૂર્વે શેર્સમાં 3 ટકાનો ઘટાડો રહ્યો હતો. જોકે, પરિણામ પોઝિટીવ આવતા આગામી સપ્તાહે સુધારો જોવા મળી શકે છે.સેન્સેક્સ પેકમાં ઇન્ડસઇન્ડ બેન્ક, પાવર ગ્રીડ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેન્ક વધીને બંધ રહ્યાં હતા. જ્યારે ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, એનટીપીસીમાં ઘટાડો રહ્યો હતો. ભારતમાં સીપીઆઈ ફુગાવામાં ઘટાડો થઇ 5.66 ટકા રહ્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ મજબૂત રહેતા બજારને સપોર્ટ મળશે. જ્યારે યુએસ ફુગાવો 5 ટકા પર ઠંડો પડ્યો છે.