રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને વોર્ડમાંથી બહાર કાઢી રેઢા મૂકવાની ઘટનામાં બે ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો અભિપ્રાય તપાસ કમિટીએ આપતા અધિક્ષક કચેરીએથી કાર્યવાહી કરાઈ છે. 70 વર્ષના વર્ષાબેન ભાસ્કર નામના વૃદ્ધાને હાથમાં સડો થવાની બીમારી સાથે 108માં સિવિલ ખસેડાયા હતા. 5 સપ્ટેમ્બરની રાત્રીએ 10 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં સારવાર કરાયા બાદ વૃદ્ધાને સર્જરી વિભાગમાં શિફ્ટ કરાયા હતા. જોકે 6 તારીખે સવારે વૃદ્ધા વોર્ડને બદલે પોસ્ટમોર્ટમ રૂમ નજીક સ્ટ્રેચર પર મળી આવ્યા હતા.
હોસ્પિટલના સ્ટાફે જ તેમને ખદેડી મૂક્યો હોવાની ખરાઈ થઈ જતા ભાસ્કરે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. જેને લઈને તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડિયાએ 7 સભ્યની તપાસ કમિટી બનાવીને તપાસ સોંપી હતી. સર્જરી વિભાગનો સ્ટાફ, તબીબો તેમજ ઈમર્જન્સી વિભાગના સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં સ્પષ્ટ થયું હતું કે, ડો.હેત અને ડો.જૈનમ કે જે બંને સિવિલના રેસિડેન્ટ ડોક્ટર છે તેઓએ વૃદ્ધાને રેઢા મૂકી દીધા હતા.