ઘંટેશ્વર પાસે ગત ગુરુવારે બાઇક સવારને અટકાવી રૂપિયા 20 હજારની લૂંટની ઘટનામાં પોલીસે એમબીબીએસના બે અને ફાર્મસી તેમજ નર્સિંગના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જ્યારે એકને પકડીલેવા તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂડાનગરમાં રહેતા અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ તા.30ના રોજ એડવોકેટ કમલભાઇ કવૈયાના ઘેર જતા હતા ત્યારે ઘંટેશ્વર પાસે સ્કોર્પિયોમાં ધસી આવેલા શખ્સોએ તેને આંતરી કેમ આડોડાઇથી બાઇક ચલાવે છે. કહી મારકૂટ કરી તેની પાસે રૂ.20 હજારની રોકડ સહિતના થેલાની લૂંટ ચલાવી નાસી ગયાની ફરિયાદ કરી હતી.બનાવને પગલે યુનિ. સહિતની પોલીસની ટીમે તપાસ કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થઇ ગયા હોય પીઆઇ કૈલા સહિતના સ્ટાફે માધવ વાટિકામાં રહેતો શુભમ ઇશ્વરભાઇ પુરોહિત, અને દ્વારકેશ પાર્કમાં રહેતો ભવ્ય નીતિનભાઇ દવે (બંને એમબીબીએસ), મારુતિનગરમાં રહેતો યશ અનવરભાઇ લાલાણી (ફાર્મસી), માંડાડુંગર પાસે રહેતો નૈમિષ મયૂરભાઇ શર્મા (નર્સિંગ)ને ઉઠાવી લઇ આકરી પૂછતાછ કરતાં તેને મોજશોખ માટે લૂંટ ચલાવી હોવાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી વધુ એક ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલની શોધખોળ કરી હતી. પોલીસે ચારની ધરપકડ કરી તેની પાસેથી કાર, ચાર મોબાઇલ મળી કુલ રૂ.17.46 લાખની મતા કબજે કરી છે. જ્યારે લૂંટ ચલાવનાર રોકડ ભરેલ થેલા અંગે પૂછપરછ કરતાં તેને આજી નદીમાં ફેંકી દીધાનું જણાવતાં પોલીસે ફાયર બ્રિગેડ સ્ટાફ સાથે શોધખોળ કરી હતી.