વડોદરા જિલ્લાના સાવલી નગરમાં બે કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે. આ બનાવને પગલે પંથકમાં સન્નાટો છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા પ્રમાણે સાવલી નગરના માળીવગા વિસ્તારના અને વડોદરા ભાગોળ વિસ્તારના યુવાનો વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં આજે સાંજના સમયે વડોદરા ભાગોળ વિસ્તારના ત્રણ યુવકો જઈ રહ્યા હતા ત્યારે માળીવગા વિસ્તારના કેટલાક યુવકોએ લઘુમતી કોમના યુવકોને રોકીને લાકડી અને અન્ય સાધનો વડે ઢોર માર માર્યો હતો. જે બનાવની જાણ વડોદરા ભાગોળ વિસ્તારના લોકોને થતા આ બાબતે ઠપકો આપવા અને વાતચીત કરવા માટે ગયા હતા.
દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા બંને ટોળા સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે જેટલી કારોના કાચ પણ તૂટી ગયા હતા. નગરમાં પથ્થરમારો થયો હોવાની જાણ સાવલી પોલીસને થતા સાવલી પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ બનાવને પગલે વિસ્તારમાં ટપોટપ દુકાનો બંધ થઇ ગઇ હતી. હાલ પરિસ્થિતિથી સંપૂર્ણ કાબુમાં છે અને જનજીવન પૂર્વવત થઇ ગયું હતું.