માલદીવ્સની મુઈઝ્ઝુ સરકારે ઈઝરાયલ-ગાઝા યુદ્ધમાં પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. સરકારે દેશમાં પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયલના પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના અમલ બાદ ઈઝરાયલના નાગરિકો માલદીવ્સમાં પ્રવેશ કરી શકશે નહીં.
રવિવારે (2 જૂન) માલદીવ્સના ગૃહ પ્રધાન અલી ઇહુસને જણાવ્યું હતું કે ઇઝરાયલી પાસપોર્ટ ધરાવતા લોકોને માલદીવ્સમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાના કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક વિશેષ સમિતિની પણ રચના કરી છે. આ સમિતિમાં દેશના વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓનો સમાવેશ થાય છે.
આ સાથે જ ઈઝરાયલે પોતાના નાગરિકોને માલદીવ્સ ન જવાની ચેતવણી આપી છે. ત્યાં હાજર લોકોએ શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી જવું જોઈએ.