સાઉથ આફ્રિકાની સામે છેલ્લી મેચ હાર્યા પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં કરો યા મરોની સ્થિતિમાં આવી ગઈ છે. આ જ કારણે બાંગ્લાદેશની સામે આજે એડિલેડમાં સુપર-12ની મેચ ખૂબ જ મહત્ત્વની થઈ ગઈ છે
ટીમ ઈન્ડિયા 3 મેચમાં બે જીત અને એક હાર સાથે 4 પોઇન્ટ્સ સાથે ગ્રુપ-2માં બીજા સ્થાને છે. તો બાંગ્લાદેશની ટીમ પણ 3 મેચમાં 4 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયા સારા નેટ રનરેટના કારણે બાંગ્લાદેશની ટીમ કરતા આગળ છે.
આ મેચ જીતીને ભારત માટે સેમિફાઈનલમાં પ્રવેશવું ખૂબ જ આસાન બની જશે. આ સાથે જ બાંગ્લાદેશ હારની સ્થિતિમાં લગભગ બહાર થઈ જશે. આ મેચ પછી રવિવારે બાંગ્લાદેશની છેલ્લી મેચ પાકિસ્તાન સાથે છે અને ભારતે ઝિમ્બાબ્વે સામે રમવાનું છે.
જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો તેમનો સેમિફાઈનલનો રસ્તો મુશ્કેલ બની જશે. આ સ્થિતિમાં ભારત છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામેની જીત છતાં મહત્તમ 6 પોઈન્ટ જ મેળવી શકશે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન તેની છેલ્લી બે મેચ જીતે છે તો તેના પણ 6 પોઈન્ટ થઈ જશે. ત્યારે વધુ સારી નેટ રનરેટ ધરાવતી ટીમને ફાયદો થશે.
ભારતની હારની સ્થિતિમાં બાંગ્લાદેશની તક પણ નોંધપાત્ર રીતે વધી જશે. જો તે ભારત બાદ પાકિસ્તાનને હરાવશે તો તેને 8 પોઈન્ટ મળશે.
આ તમામ સ્થિતિઓને જોતા એમ કહી શકાય કે ભારત માટે આ મેચ એક રીતે નોકઆઉટ સમાન છે. હારની સ્થિતિમાં ભારત માટેનો રસ્તો ઘણો સીમિત થઈ શકે છે.