આજે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2024ની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. મેચ પૂર્ણ થાય તે પહેલાં જ લોકો સ્ટેડિયમની બહાર નીકળ્યા હતા. જો કે, ગુજરાત અને પંજાબની મેચમાં અંતમાં રસાકસી જામી હતી તેમ છતાં ભીડ ટાળવા માટે લોકોએ મેચ પૂર્ણ થવાની રાહ પણ ન જોઇ અને બહાર નીકળવા લાગ્યા હતા. ત્યારે સ્ટેડિયમમાંથી બહાર નીકળતા જ લોકોની ભીડ જામી હતી. ત્યારે આ ભીડને ઓછી કરવા પોલીસ એકશન મોડમાં આવી ગઇ હતી અને તમામને ચાલતા રહેવા સૂચના આપતી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને પંજાબ વચ્ચે 7:30 વાગ્યે મેચ શરૂ થઈ હતી. તેમ છતાં ક્રિકેટરસિકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા હતા. સ્ટેડિયમમાં પ્રવેશ માટે 1 નંબર ગેઈટની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. મેચ જોવા આવેલા ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગરમી હોવાથી લોકો મેચ જોવા માટે લેટ પહોંચ્યા હતા એટલા માટે મેચ શરૂ થઈ ગયા બાદ પણ લોકોની આટલી ભીડ જોવા મળી રહી હતી.