રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણોનો કલેક્ટર તંત્ર દ્વારા સરવે કરાયો હતો. સરવે બાદ સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ લોકસભાની ચૂંટણી આવી જતા દબાણો દૂર કરવાની ઝુંબેશને બ્રેક લાગી ગઇ હતી. દરમિયાન ચૂંટણી કામગીરી પૂર્ણ થતા તંત્રે ફરી ઝુંબેશને આગળ ધપાવવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે ત્રણ મહિના પૂર્વે શહેરની ભાગોળે આવેલા વાવડીમાં સરકારી જમીનમાં ખડકાઇ ગયેલા ગેરકાયદેસર દબાણોને રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યાં વાવડીના જ સરવે નં.149માં આવેલી અંદાજિત રૂ.50 કરોડની કિંમતની 16 હજાર ચો.મી. સરકારી જમીન પર ઝૂંપડાં, વંડા, ડેલા સહિતના દબાણો થઇ ગયા હતા. જે તંત્રના ધ્યાને આવતા તુરંત સરકારી જમીન પર દબાણ કરનાર લોકોને તેમના દબાણો દૂર કરવાની સૂચના આપી હતી, પરંતુ દબાણકર્તાઓએ તંત્રની સૂચનાની ઐસીતૈસી કરી તેમના દબાણો દૂર કર્યા ન હતા. જેને પગલે રાજકોટ તાલુકા મામલતદારે લાલ આંખ કરી છે. અને સૂચના આપવા છતાં સ્વૈચ્છિક દબાણ દૂર નહિ થતાં ગુરુવારે સરકારી જમીન પર ઊભા થયેલા દબાણોને દૂર કરવા બુલડોઝર ફેરવી ડિમોલિશનની કામગીરી કરવામાં આવનાર છે.