શહેરના વિરાણી અઘાટમાં સિન્થેટિક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા ગુલશનકુમાર વિનોદભાઇ ચૌહાણ અને તેની પત્ની સાવિત્રીએ ગત મોડી રાતે ઓરડીના એંગલમાં સાડી બાંધી સજોડે ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે કારખાનાના અન્ય શ્રમિકો ઓરડી પાસેથી નીકળતા બંને લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.
જેથી તુરંત 108ને બોલાવી હતી, પરંતુ 108 ટીમની તપાસમાં બંનેનાં મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. ભક્તિનગર પોલીસને જાણ કરતા પીએસઆઇ પી.જી.રોહડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં આપઘાત કરી લેનાર દંપતી મૂળ ઉત્તરપ્રદેશના હતા. અહીંના જ કારખાનામાં કામ કરી ત્યાંની ઓરડીમાં રહેતા ગુલશનકુમારના સાવિત્રી સાથે હજુ 10 મહિના પહેલાં જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય શ્રમિકોની પૂછપરછ કરતા ગત રાતે બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હોય તેને કારણે પગલું ભરી લીધું હોવાની શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું છતાં વતનમાં રહેતા મૃતકના પરિવારજનો આવ્યા પછી દંપતીના સજોડે આપઘાતનું કારણ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું છે.
અન્ય બનાવમાં કાલાવડ રોડ પર બુધવારે રાતે મોબાઇલના માધ્યમથી ઓનલાઇન આઇપીએલના મેચ પર હારજીત, સેશન, રનફેર, ઓવર તેમજ મેચના પરિણામના સોદાઓ કરી સટ્ટો રમતા ગાંધીગ્રામના રૂપેશ બળવંત રાજા અને દેવ પરેશ ઠાકરને પોલીસે પકડી પાડ્યા છે.