આજે (9 જૂન, 2024) દેશની સૌથી મોટી એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ એલનની વિદ્યાર્થિની દ્વિજા પટેલે ઓલ ઇન્ડિયામાં સાતમો ક્રમ તો ગર્લ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શિક્ષક પિતાની આ પુત્રીની સિદ્ધિએ રાજકોટનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં રોશન કર્યુ છે. જ્યારે તબીબ માતાના પુત્ર અક્ષર ઝાલાએ ઓલ ઇન્ડિયામાં 38મો ક્રમ મેળવ્યો છે. બંને વિદ્યાર્થીઓનું IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે.
રાજકોટ એલનની વિદ્યાર્થિની દ્વિજા પટેલે જણાવ્યું હતું કે, મને JEE એડવાન્સમાં 360માંથી 332 માર્કસ મળ્યા છે અને ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક મેળવ્યો છે. હું દરરોજની 8થી 10 કલાકની મહેનત કરતી હતી. જે માટે એલનના ટીચર્સનો ફાળો ખૂબ જ મોટો રહ્યો છે. છેલ્લા બે વર્ષથી એલાન રાજકોટમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની આગામી સમયમાં આઇઆઇટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. ત્યારબાદ એબ્રોડમાં માસ્ટર ડિગ્રી મેળવવાનું સ્વપ્ન છે. દ્વિજા ઓલ ઇન્ડિયામાં ગર્લ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહી છે. તેમના પિતા ધર્મેશભાઇ SNKમાં શિક્ષક છે. જ્યારે માતા કિરણબેન ગૃહિણી છે. જ્યારે તેમનો ભાઇ દેવર્શ ધોરણ 5માં અભ્યાસ કરે છે. ધોરણ 9 અને 10થી કોડિંગમાં રસ હોવાથી દ્વિજા કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવા માંગે છે. જેમને JEE મેઈન્સમાં ફર્સ્ટ એટેમપ્ટમાં 290 તો બીજા પ્રયાસે 280 માર્કસ આવ્યા.