વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખી હતી. તેમણે મૂર્તિની નીચે મૃતક હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ લખ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની જાણકારી મળ્યા બાદ તેમણે પ્રતિમા પર લખેલું નામ હટાવી દીધું છે અને તેની સફાઇ કરી દીધી છે.
વિદેશ મંત્રાલયે પણ આ ઘટના પર ટિપ્પણી કરી છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે આ મામલે ઈટાલિયન સરકારી અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી ઈટાલીમાં પ્રતિમાનું અનાવરણ કરવાના હતા. આવી સ્થિતિમાં, પ્રતિમા સાથે છેડછાડને સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી રહી છે. ઈટાલીએ આ ઘટનાના દોષિતોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોલીસ પ્રતિમાને નુકસાનની ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે.
ઇટાલીમાં ભારતના રાજદૂત વાણી રાવે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે આ ઘટના ઇટાલીના દક્ષિણી ક્ષેત્ર બ્રિન્ડિસીમાં બની હતી. લોકલ ઓથોરિટીએ ઘટના બાદ ત્યાં સાફ-સફાઇ કરાવી છે. અમે પણ તાત્કાલિક આ મામલો સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. અમે તેમને ગુનેગારોને શોધી કાઢવા અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.