અદાણી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીએ સવારે પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. ભણવામાં હોશિયાર એવી આ યુવતીએ અચાનક ભરેલા આત્મઘાતી પગલાંથી સૌ કોઈ અચંબિત છે. બનાવની જાણ થતા અમદાવાદથી પરિવાર ભુજમાં દોડી આવ્યો હતો હૈયાફાટ રુદન વચ્ચે બનાવ પાછળનું રહસ્ય હોસ્ટેલની ચાર દીવાલોમાં કેદ થઈ ગયું છે.
મૂળ અમદાવાદના નરોડાની અને હાલે જી. કે. જનરલ હોસ્પિટલમાં આવેલ અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય દેવાંગી મયુરભાઈ પટેલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બુધવારે સવારે 7.30 કલાકે તે રૂમમાં હતી જેથી 8 થી 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે. કોઈ અગમ્ય કારણોસર દેવાંગીએ રૂમમાં પંખા પર દુપટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, હતભાગીને માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતાં સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા લેતી હતી. પ્રાથમિક તપાસમાં તણાવમાં આવીને પગલું ભર્યાનું માનવામાં આવે છે પણ બનાવે રહસ્યો સર્જ્યા છે. દિવસભર હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળ્યા ન હતા. બનાવ બાબતે કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં જાણ કરવામાં આવી હતી. મેનેજમેન્ટ દ્વારા ઘટના દુ:ખદ હોવાનું જણાવાયું હતું.